Saturday, 11 February 2023

गुजराती काव्य पंक्ति

स्वरचित गुजराती काव्य
स्वरचित गुजराती काव्य

(1)

"જીવનમાં જાકળ જેવું જીવાય તો ઘણું છે,

થોડું-ઘણું કોઈને સ્પર્શી જવાય તો ઘણું છે."

  (2) 

"પ્રેમમાં કયાં કશું પામવાનું હોય છે,

પ્રેમમાં તો ફકત ચાહવાનું હોય છે."


(3)

"તું પણ મારાથી નારાજ લાગે છે કે શું !

ને લાગણીનાં ખેલ તું જ રમાડે છે કે શું ?


તારા હાથમાં બધું છે એમ કહેવાય છે !

જિંદગીની રમત તુજ સમાડે છે કે શું ?"


(4)

''તારી આંખોમાં થોડી નમી દેખાઈ રહી છે.

જીંદગીમાં કોઈની કમી વંચાઈ રહી છે.''


(5)

"જીંદગીમાં અમને તો કેટલાએ કક્કો ભણાવ્યો,

પણ અમે કોઈને ક્યારેય નહિ એકડો ઘુંટાવ્યો."


(6)

"માણસ મીણના બનાવે છે, 

ને ઘાવ હથોડાનાં કરે છે !


તારે કાંઈ લાગણી જેવું છે,

તડકો જાકળને દઝાડે છે !"


(7)

"તું બીજા વિશે આમ તેમ વિચાર્યા ના કર. 

ને રોજ ખુદને આવી રીતે બાળ્યાં ના કર. 


આમ સૃષ્ટિમાં ચંદ્રમા પણ કયાં પૂર્ણ છે ?

માણસનાં નામે પૂર્ણતાને શોધ્યા ના કર." 


(8)

"કોશિશ કયાં કરું છું કે હું સારો છું,

કોશિશ તું કરે છે કે એ ખરાબ છે."


(9) 

લે આ તારો સ્નેહ તને આપ્યો છે,
તું કહે છે તેમ આલેખી આપ્યો છે.  

લે આ સ્મિત સાચવી આપ્યું છે, 
તું  હસે, તેવું કોમળ લખ્યું છે.  

લે આ આંખોને ઉકેલી આપી છે ,
ને લાગણીની ભીનાશ લખી છે. 

લે આ પ્રેમ મિસરી ચાખી લીધી છે, 
હ્રદયમાં તને પણ રાખી લીધી છે.

લે આ પ્રેમની ઓળખ આપી છે, 

તને કાનો-કાન ખબર આપી છે . 

(10)
મને કે ક-મને પૂછી લે,
પ્રેમ છે કે વહેમ છે ?

આંખો કે હૃદયને પૂછી લે, 
પ્રેમ છે કે વહેમ છે ?

બાહર કે ભીતરને પૂછી લે,
પ્રેમ છે કે વહેમ છે ?

મૌન કે હાસ્યને પૂછી લે,
પ્રેમ છે કે વહેમ છે ?

લાગણી કે વિચારોને પૂછી લે,
પ્રેમ છે કે વહેમ છે ?

તને કે મને પૂછી લે ને,
પ્રેમ છે કે વહેમ છે ? 

(11) 
જીવનમાં આવી રીતે તો રહીએ 
રોજ મનફાવે ત્યાં હરીએ-ફરીએ.

લાગણીઓને અકબંધ રાખીએ, 
ને માંગણીઓ પર કાબુ રાખીએ.

મહેનત કરીને ખાઈએ-પીઈએ,
ને મફતનું લેવાની ટેવ ન રાખીએ.

નાના-મોટા સૌ સાથે ખુશ રહીએ,
એકમેકના માન-પાન જાળવીએ.

ઈર્ષાથી દૂરનું સગપણ રાખીએ,
ને પ્રેમ ભરેલું જીવન જીવીએ.

નબળું-સબળું બધું સ્વીકારીએ,
ને હિંમત ભરેલું જીવન જીવીએ.

ભૌતિકતાનો ભરપૂર લાભ લઈએ,
એની પાછળ ભાન ભૂલી ન જઈએ.

બસ દિવસ-રાત આનંદમાં રહીએ, 
ને જીવનમાં કોઈને પણ ન નડીએ.

(12)

કંઈક તો રાખ 

તહેવાર જેવું તો કંઈક રાખ, 
વ્યવહાર જેવું તો કંઈક રાખ. 

અંધકારની વાત ક્યાં માંડી ! 
તું દીવા જેવું તો કંઈક રાખ. 

વાતે-વાતે પુરાવાઓ ના માંગ, 
તું વિશ્વાસ જેવું તો કંઈક રાખ. 

ભરતી ને ઓટ આવ - જા કરે, 
તું કિનારા જેવું તો કંઈક રાખ. 

મૌનમાં પણ મોહબ્બત સમજું છું, 
તું ક્યારેક તો કંઈક કહેવાનું રાખ. 

મારી અપેક્ષા વધારે ક્યાં છે ? 
તું પહેલાં જેવું તો કંઈક રાખ.

(13)
સવાર ઊઘડે કે ના ઊઘડે
તું રાત આખી જાગી તો જો.

સંધ્યા ઢળે કે ના ઢળે
તું મધ્યાહને તપી તો જો.

રસ્તે કોઈ મળે કે ના મળે
તું ડગ એક ભરી તો જો.

આનંદ મળે કે ના મળે 
તું ખડખડાટ હસી તો જો.

કોઈ ચાહે કે ના ચાહે
તું ભીતરે કોઈના વસી તો જો.

તું તને મળે કે ના મળે
બંધ આંખે સમરી તો જો

પત્થર તરે કે ના તરે
તું નામ રામનું લખી તો જો. 

(૧૦/૫/૨૦૨૧ સોમ, સાંજ ૦૬:૧૫)

(14)
ક્યાં સુધી બીજાની દોરી કાપીને એ પતંગ ચગવના ?
કયારેક તો એ પતંગ ચોક્ક્સ આકાશેથી નીચે પડવાના.

      * * *


સ્વરચિત કાવ્ય પંક્તિ.....